Advertise 1

થઈ જશે ફિલ્મ રિવ્યૂ


ફિલ્મ : થઈ જશે


આપણે દરરોજ ફિલ્મો જોતા હોઈએ છીએ. પરંતુ આપણે એક ફિલ્મ પાસેથી શું અપેક્ષાઓ રાખતા હોઈએ છીએ? કે જે તે ફિલ્મમાંથી મનોરંજન મળી રહે. થોડીક ફાઇટ હોય, હાસ્ય પ્રસંગો હોય, થોડા ઈમોશનલ સીન હોય વગેરે... પરંતુ ઘણા દર્શકો એવા પણ હોય છે જે ફિલ્મો માત્ર મનોરંજન પૂરતી જ નથી જોતા. તેઓ ફિલ્મ પાસેથી પોતાને કંઇક ફાયદો થાય એવું પણ ઈચ્છતા હોય છે. જ્યારે કેટલાક દર્શકો એવા પણ હોય છે જેમની પાસે ફિલ્મો જોવા માટે પૂરતો સમય નથી હોતો. પરંતુ કોઈવખત ફ્રી સમયમાં તેઓ એકાદ ફિલ્મ જોવાનું પસંદ કરતા હોય છે. જેમાં ઘણીવખત એવું થતું હોય છે કે આખી ફિલ્મ જોયા પછી આપણને નિરાશા મળતી હોય છે. કે ફિલ્મ તો સાવ બેકાર હતી. પૂરતી મજા ના આવી. આવું ઘણી વખત થતું હોય છે. હાલમાં લોકો સાઉથ ઇન્ડિયન મૂવી જોવાનું વધારે પસંદ કરે છે. કારણ કે બોલિવુડની સ્ટોરીઓમાં કંઈ બાકી રહ્યું નથી. આવા સમયે આપણી ગુજરાતી ફિલ્મો ધૂમ મચાવે છે એ ગર્વની વાત છે.


છેલ્લા બે ત્રણ વર્ષથી ગુજરાતી ફિલ્મોમાં કંઇક નવું કન્ટેન્ટ જોવા મળી રહ્યું છે. આવા જ એક નવા કન્ટેન્ટ પર બનેલી ફિલ્મ એટલે "થઈ જશે" (thai jashe). આ શબ્દનો પ્રયોગ આપણે દિવસમાં ઘણી વખત કરતા હોઈએ છીએ. ફિલ્મનું શીર્ષક તદ્દન સામાન્ય છે. પરંતુ ફિલ્મ એટલી જ રસપ્રદ છે. આ ફિલ્મ ૨૦૧૬ માં બની હતી અને પડદા પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને નીરવ બારોટે (nirav barot) ડાયરેક્ટ કરી હતી. અજય પટેલએ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી હતી. "થઈ જશે" ફિલ્મનું લેખન નીરવ બારોટ, જય ભટ્ટ, પ્રયાગ દવે દ્વારા કરવામાં આવ્યું હતું. હવે વાત કરીએ આ ફિલ્મમાં અભિનય કરનાર અભિનેતા અને અભિનેત્રીની.


આ ફિલ્મમાં ગુજરાતી ફિલ્મના સુપર સ્ટાર "મલ્હાર ઠાકર (malhar thakar) મુખ્ય રોલમાં છે. તેમણે પ્રણવ જોશી નામના એક સામાન્ય પરિવારમાથી આવતા યુવાનનો રોલ કર્યો છે. હિરોઈન તરીકે મોનાલ ગજ્જર (monal gajjar) એ અભિનય કર્યો છે. તેમણે કાજલ ભટ્ટ (kajal bhatt) નામની યુવતીનો રોલ કર્યો છે. ઉપરાંત મનોજ જોશી (manoj joshi) અને કુમકુમ દાસ (kumkum das) એ પ્રણવ જોષીના માતાપિતા ચંદ્રકાંતભાઈ જોશી અને સરોજબેન જોશીનો રોલ કર્યો છે. ઉપરાંત આ ફિલ્મમાં મૌલિક ચૌહાણ (maulik chauhan), શરદ વ્યાસ (sharad vyas), ભાવિની જાની (bhavini jani), જય ભટ્ટ (jay bhatt), પાર્થ રાવલ (parth raval) પણ જોવા મળે છે.


આ ફિલ્મની કહાની એક યુવાનના સંઘર્ષ પર આધારિત છે. મલ્હાર ઠાકરે જે યુવાનનો અભિનય કર્યો છે તે એટલે કે પ્રણવ જોશી અમદાવાદમાં ડિઝાઈનર તરીકે કામ કરે છે. જેતપુરમાં તેના પિતાની ડાઈંગ ફેકટરી નાદાર થઈ જાય છે ત્યારે પ્રણવના માતાપિતાએ અમદાવાદ આવવું પડે છે. ત્યાં તેઓ પ્રણવ સાથે એક ભાડાના મકાનમાં રહે છે. ત્યારે મકાન માલકીન તેમનું અપમાન કરે છે. ત્યારે જ પ્રણવ નક્કી કરી લે છે કે તે અમદાવાદમાં પોતાનું મકાન ખરીદી લેશે. પૂરી ફિલ્મ દરમિયાન બે શબ્દ કે જે ફિલ્મનું શીર્ષક છે તે વારંવાર સાંભળવા મળે છે "થઈ જશે". એટલે કે અમદાવાદમાં પ્રણવનું પોતાનું મકાન થઈ જશે. પ્રણવ ફિલ્મના અંત સુધી પોતાનું મકાન લેવા માટે દોડ ચલાવે છે અને અંતમાં તે પોતાનું મકાન લઈ શકે છે કે નહીં? તે જાણવા માટે ફિલ્મ જોવી જ પડે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ